73 - રતુંબડ જાગરણની આંખમાં દૈ રાતને વાસા / હરીશ મીનાશ્રુ


રતુંબડ જાગરણની આંખમાં દૈ રાતને વાસા
શીખી લૈશું પરોઢે પાંદડી ને ઓસની ભાષા

તમે સૌરભ કહીને વાતને લીધી સમેટી પણ
નથી એવી સરળ વ્હેતા પવનની પુષ્પજિજ્ઞાસા

નદી ટટ્ટાર ઊભી છે છલોછલ શેરડી-સાંઠે
ધરો પ્યાલી ગગનની, ઈશ્વરો, કૈં જન્મના પ્યાસા

સરોવર-જલ કરે છે પાઠ જો, સૌન્દર્યલહરીનો
મલયવાયુ રચે પલપલ વલય અંત્યે અનુપ્રાસા

અમારી ગાઢ શ્રદ્ધાથી અલગ ક્યાં આપની શંકા
રૂપાનો એક છે સિક્કો પરંતુ બે અલગ પાસાં

હૃદય છે પુષ્પ : સ્થાયી ભાવ છે વિહ્વળ વસંતોનો
નયન સૂંઘે, ત્વચા ચાખે, નિહાળે ન્યાલ થૈ નાસા

અહીં જૂગટુ રમે છે સૌ લગાવી દાવ પર અગ્નિ
પડે છે જૈ હિમાળે આખરે પોબાર એ પાસા

કબરની જીદ ક્યાં કરવી ?- મરણ કરતું ક્ષણેક્ષણમાં
અહીં હોવા-ન હોવાના મહાલયનો શિલાન્યાસા


0 comments


Leave comment