75 - બ્રહ્મ ઉપદેશ ને પેંગડે પગ, ભલા / હરીશ મીનાશ્રુ


બ્રહ્મ ઉપદેશ ને પેંગડે પગ, ભલા
સ્વર્ગ જાણે પગરખાં લગોલગ, ભલા

આપ જો આયનામાં ભલા, જગ ભલા
માળવે લૈ જશે મનના મારગ, ભલા

પંડિતે મ્હેલ નિશ્ચેનો એવો ચણ્યો
જ્યાં બધું આશરે છે ને લગભગ, ભલા

મયકદામાં જઈને વજૂ એ કરે
શેખની ત્યાં હજુ એવડી વગ, ભલા

આંખ કોરી ન થૈ જાય એ સાચવો
ત્યાંથી પેસી જશે ક્યાંક કળજગ, ભલા

આ ગઝલ કેમ કૈં આજ કહેતી નથી
એણે મ્હોંમાં ભર્યા છે કે શું મગ, ભલા

કાનભંભેરણી કાં ખુદાની કરે
બાંગ પોકારતા આમ સગડગ ભલા

શબ્દ અભ્યંતરે જૈને જોયું અહા
એકસો આઠ ત્યાં ઝળહળે શગ, ભલા


0 comments


Leave comment