76 - અર્થ જેનો ભોંયમાં અડધો ને અડધો આભમાં / હરીશ મીનાશ્રુ


અર્થ જેનો ભોંયમાં અડધો ને અડધો આભમાં
વૃક્ષની જેમ જ નયન આ નિંદમાં કે ખ્વાબમાં ?

ચૂંટવાથી સત્ય પણ અડધું જ આવે હાથમાં
છે પલાયન મ્હેંક ને ઢગલી ફૂલોની છાબમાં

એકરસ કેવાં તો છે આ ક્ષણ વિષે જીવનમરણ
પગ મઝારે ઝૂલવી પડખું ફરું હું ગાભમાં

એ ખરું, હમણાં જ એ ચાલ્યાં ગયાં છે તે છતાં
એમનો આકાર છે શય્યાના આછા દાબમાં

ધડ રહ્યું મારી કને ચહેરો અરીસે લૈ લીધો
ખોટ ખાધી તે છતાં લોટી પડ્યો હું લાભમાં


0 comments


Leave comment