77 - શબ્દ તું સાવ વાંકો રાખે છે / હરીશ મીનાશ્રુ


શબ્દ તું સાવ વાંકો રાખે છે
કાફિયામાં ય છાકો રાખે છે

આ તે નકશો કે ભૂલભૂલૈયાં છે ?
કેવા વસમા વળાંકો રાખે છે

તારું દર્પણ છે છિન્ન ભીતરથી
કેમ ભીતર ધડાકો રાખે છે

જખમને કર રફૂ તો સરખું કર
સાવ ઢીલો તું ટાંકો રાખે છે

એણે તોળી લીધો’તો પર્વતને
તું તો ખાલી ટચાકો રાખે છે

કાળ ચાળ્યા કરે છે દુનિયાને
ને વળી ઝીણો આંકો રાખે છે

તારું કુરતું ભલે ને ઊજળું હો
રંગ એ સાવ પાકો રાખે છે

જ્યાં કદી અન્યને ન સાંખે એ
એવો અંગત ઇલાકો રાખે છે

તેરા તાજાતરીન કુફ્ર, મિયાં
તું ફકીરીનો ફાંકો રાખે છે


0 comments


Leave comment