78 - લય તૂટ્યો ને લબડી લાળ / હરીશ મીનાશ્રુ


લય તૂટ્યો ને લબડી લાળ
કરોળિયાની, કરતાં જાળ

ભલું થયું ભાંગી જંજાળ
ગપગોળામાં શ્રીગોપાળ

ભમું ભમરડો ચકળવકળ
કોણ ભવોભવ ખેંચે જાળ

ચઢવા જઉં તો સામાં થાય
માથાભારે ડુંગર ઢાળ

પરપોટો સમજી ઝાલી
એ પળનાં પ્રગટ્યાં પેટાળ

દર્પણને મેળે જે ગૂમ
કહો કાઢવી ક્યાં જૈ ભાળ

સુરતરૂને અથડાઈ પડ્યા
અને ઢીમણું થયું કપાળ

શબ્દશકટને ઉલાળ ક્યાં
પાછળ ક્યાં અમથો ય ધરાળ

વણજિહ્વા એ વદશે વાણ
વણબોલ્યે જે અતિ વાચાળ


0 comments


Leave comment