79 - ટાળ્યાં કેમ શકાશે ટાળી / હરીશ મીનાશ્રુ


ટાળ્યાં કેમ શકાશે ટાળી
દિયે ઇજન એ નેણ ઉલાળી

નિકટ સરું તો પહાડ પળના
રાત હતી દૂરથી રઢિયાળી

ધરે છત્ર કીડીને માથે
મહમહતી લીલી વરિયાળી

હાથ ભલે ને ચેતે ભડભડ
લીધી દીધી ઝળહળ તાળી

સવાદ જાણે શું મોદકનો ?
પંડિતની એંઠી પતરાળી

ચૈતર મહિને સમી સાંજરે
મીઠી લીમડાની હર ડાળી

નરણે કોઠે ગઝલ ઉચ્ચરું
સો સો ગરણે શબ્દો ગાળી


0 comments


Leave comment