80 - ફતવા લખે છે શેખ, કહે, શીદ ગુમાનમાં / હરીશ મીનાશ્રુ


ફતવા લખે છે શેખ, કહે, શીદ ગુમાનમાં
કોરું તો ક્યાં છે એકે પાનું કુરાનમાં ?

તાકે જો તીરંદાજ સ્વયંને નિશાનમાં
પ્રગટે નવો જ અર્થ સનન તીરકમાનમાં

આવી છે એક વાત હવે મારા ધ્યાનમાં
દર્પણમાં કોક રોકે મને દરમિયાનમાં

પ્હેલાં સમાન ક્યાં છે બુલંદી અઝાનમાં ?
મારે છે ફૂંક અલ્લા કીડીના કાનમાં

કીમિયો સફળ ઉડાનનો લે, કહી દઉં તને
પંખીનાં ચરણચિહ્ન શોધ આસમાનમાં

ચિડિયાનો કલબલાટ અને ચાડિયાની ચુપ
નાખે છે નિસાસા હજી છાંડેલ ધાનમાં

કાંધે પવનને પળિયે પ્રવાસે સુગંધ થૈ
અમને ખપે ન બેઠક પુષ્પકવિમાનમાં

એને ગ્રહણ કરી લે ચપટી પ્રસાદ જેમ
પૃથ્વી તો કણ છે પીડાનો તુલસીપાનમાં

આ તો ગઝલ છે, એ કૈં ઢંઢેરો ના પીટે
સિમ સિમ ખૂલે રહસ્યો સમજુને સાનમાં

બેઠા છે ખુદાતાલા ગુજરાતી શીખવા
નીરખી અમારી ગઝલો ગુજર્ર જબાનમાં


0 comments


Leave comment