81 - ચુપ રહે ચાડિયા, ક્યાંય ચિડિયા નથી, ક્યાંય નાનક નથી / હરીશ મીનાશ્રુ


ચુપ રહે ચાડિયા, ક્યાંય ચિડિયા નથી, ક્યાંય નાનક નથી
કણસલે કુમળાં મોતી મઢનાર એ ગુપ્ત નાયક નથી

જેની ઝળહળ તરસ કિંવદંતી બને,-કોઈ ચાતક નથી
બીજના ચન્દ્રને કેમ ચઢતી કળાની ય ચાનક નથી

કૈંક યુગો વીત્યાં હું સ્વયંને મળું છેક આજે અહીં
આમ ભેટી જવું છે અચંબાજનક, પણ અચાનક નથી

આભ ને ધરતીના નિત્ય મેળાપનું મ્હોબતે મ્હેંકતું
એક પંખી વિના આ સકળ વિશ્વમાં અન્ય થાનક નથી

જેમ ઝાકળ ઝરે, જેમ પીછું ખરે, એમ કીડી પગે
મારી ભાષા ઝીણો કિંકિણીરવ કરે છે : અવાચક નથી

એ હથેળી પ્રસારી રહ્યો કમળના ફૂલ પેઠે ભલે
એ જ છે, એ જ દાતા સ્વયં સુરભિનો, રંક જાચક નથી

શબ્દના હોઠ પર સ્હેજ ટોયું ને જોયું તો સંજીવની
એક છાંટો જ છે : ક્યાંય તે છંદની છોળ છાલક નથી

આ ગઝલ નિજ મહીં મગ્ન છે, આપ્ત છે, પૂર્ણ પર્યાપ્ત છે
ના, નથી ક્યાંય તે વાદ્ય, વાદક, વળી ક્યાંય ગાયક નથી

ઊકલશે રિક્ત અવકાશની વ્યંજના તો ઝીણી આંખથી
શબ્દને જે ન વાંચી શકે ભીતરથી, પૂર્ણ વાચક નથી

પાંખ ફફડાવતી એક પ્યાલી ઊડી ગૈ, અમલ રહી ગયો
સાકીએ રિન્દને જ્યાં કહ્યું : શૂન્યથી શ્રેષ્ઠ પાનક નથી


0 comments


Leave comment