82 - ન લહિયો ન લેખણ ન લેખાં ન જોખાં / હરીશ મીનાશ્રુ


ન લહિયો ન લેખણ ન લેખાં ન જોખાં
અમે ચોપડા ચીતર્યા બસ અનોખા

ભલે વાટ જોતો રહે મિત્ર વ્યાકુળ
ફગાવી દે ગઠરીના ચપટીક ચોખા

સકળમાં જવું ઓગળી બસ અકળ થૈ
તદાકાર તોડી નથી થાવું નોખા

પરોવી છે ભાલે અમે પ્રેમપાતી
તમે ઝૂરતા ઝીણા ઝળહળ ઝરોખા

જીવનભર અમે જ્યાં ભર્યાં વિશ્વ ઠાંસી
રહ્યાં ખોળિયાં આખરે ખાલી ખોખાં


0 comments


Leave comment