83 - કૂંચી જડી છે મનની બસ ખોલ વાખ કરીએ / હરીશ મીનાશ્રુ


કૂંચી જડી છે મનની બસ ખોલ વાખ કરીએ
દારુના રૂખને પલટી પાછી દરાખ કરીએ

દીંટેથી કેવાં ઝૂલે લીલાચટાક ડાઘા
ચુંબન કરીને એને આંબાની સાખ કરીએ

અક્કેક પાંખડી પર પરભાતિયું બિરાજે
ઝાકળને બ્હાને ઝળહળ લલદે’નાં ‘વાખ’ કરીએ

ફાગણનું એક્‌ પલાખું પૂછીને રાતી ક્ષણને
ઊભો રહે પવન તો એને પલાખ કરીએ

પંખીને ઘડી લઈએ પિંડો પવનનો ગૂંદી
પરવાનગી વિના બે પર્ણોની પાંખ કરીએ

તમને નિહાળી અમને આપે જો મોર પીંછુ
પટપટતી એમાં ભૂરા ઈશ્વરની આંખ કરીએ

ચંચળ છે જાત,- પળમાં પ્રગટે તરત પલાયન
એને જડી ગઝલમાં જડબેસલાખ કરીએ

તું જે કહે તે કરીએ, મૂઠી ભરી ક્ષણોની
હરખી અબીલ કરીએ, સળગીને રાખ કરીએ

આવીને અચાનક એ દ્વારે ટકોરા મારે
તો કલ્પવૃક્ષ કોરીને બારસાખ કરીએ


0 comments


Leave comment