84 - તારા પદચાપથી પડ રહે જાગતું / હરીશ મીનાશ્રુ


તારા પદચાપથી પડ રહે જાગતું
નયણથી સ્મરણ દડદડ રહે જાગતું

સાદ પાડીને સાદડ રહે જાગતું
મિત્ર, તારામાં પતઝડ રહે, જાગ તું

કોણ આઠે પ્રહર ઝીણું દળતું મને
ઘોઘરી ઘંટીનું પડ રહે જાગતું

નભ મહીં ગાઢ નિદ્રામાં નક્ષત્ર સૌ
પૃથ્વી પર માત્ર ઉજ્જ્ડ રહે જાગતું

કૈંક યુગો વીત્યાં કમળપૂજા કર્યે
રાતુંબંબોળ આ ધડ રહે જાગતું

પાછલી રાતની આ ઉદાસી અકળ
ખટઘડીનું પડેપડ રહે જાગતું

ઊર્ધ્વમૂલમ્‌ અધઃશાખ અંધાર છે
જ્યાં સતત એક ઘૂવડ રહે જાગતું

પર્ણ ફૂટે - ખરે, માત્ર નિરપેક્ષ રહી
મન, સદા મૂળ ને થડ રહે જાગતું

હું, અધુરી ગઝલ, ચન્દ્ર વદ ચોથનો
સુપ્ત છે સર્વ, ત્રેખડ રહે જાગતું


0 comments


Leave comment