85 - આપું તો તાલપૂર્વક હું આપું એક તાલી / હરીશ મીનાશ્રુ


આપું તો તાલપૂર્વક હું આપું એક તાલી
આપ્યા પછી ય તારો ખોબો રહેશે ખાલી

જે ના ધરે હથેળી, કશ્કોલ કે કમંડળ
એવા ય મેં દીઠા છે સૌથી વિકટ સવાલી

પરછાંઈ પણ પરાઈ ને અજનબી અરીસા
માઠાં હતાં એ વરસો આપે લીધાં સમાલી

કોઈ તૃષાથી ત્રફડી ઝંખે મલાર મનથી
પ્યાલી ધરે તો એનો પણ અર્થ છે ભૂપાલી

પીંછી તો ઓળખે બસ રંગો અકળ પીડાના
કોને ખબર પિકાસો ને કોણ છે આ ડાલી

સમીરણના એક્‌ ઇશારે સુરભિની જેમ પળમાં
ઊભી બજારે તારી પાછળ નીકળશું હાલી


0 comments


Leave comment