86 - વાવર્યું નહિ ને વેરતાં જ ગયા / હરીશ મીનાશ્રુ


વાવર્યું નહિ ને વેરતાં જ ગયા
આળખ્યા પ્હેલાં ચ્હેરતાં જ ગયા

વેતરી લઈને અરીસા, મિત્રો
વસ્ત્રની જેમ પ્હેરતાં જ ગયા

આમ આલિંગવાને બ્હાને એ
એક ઘાયલને ઘેરતા જ ગયા

વિશ્વને જે સમેટવા બેઠા
વાતે વાતે વિખેરતા જ ગયા

આ નગરચોકની ઉદાસીને
ઘરને ખૂણે ઉછેરતા જ ગયા

શૂન્યમાંથી એ શૂન્ય બાદ કરી
આ ગઝલમાં ઉમેરતા જ ગયા


0 comments


Leave comment