47 - કવનની ઓથ / ગની દહીંવાલા


ન આવી હદ સિતમગરના દમનની,
વટાવી હું ગયો સીમા સહનની.

સ્વયં છું આરસી મારા પતનની,
ચમન છું, ભીખ માગું છું પવનની.

ન હોતે પ્રેમનાં ઝરણાં મધુરાં,
તો ખારી થઈ જતે સરિતા જીવનની.

ભલે માટીમાં મુજને મેળવી દે,
પરંતુ હો એ માટી મુજ વતનની.

મરણ- કાલે સ્મરણ કીધું તમારૂં,
ઉષા ભાસી મને સંધ્યા જીવનની.

ક્યો સાગર છે એનું લક્ષ્ય-બિંદુ ?
વહી કયાં જાય છે સરિતા જીવનની ?

ધસી આવી હૃદય પર ઊર્મિઓ જ્યાં,
‘ગની’ મેં ઓથ લઈ લીધી કવનની.


0 comments


Leave comment