54 - કવન થઈ જાય છે / ગની દહીંવાલા


કાલ જીવેલું જીવન આજે કવન થઈ જાય છે
જિદગીનું એ રીતે હળવું વજન થઈ જાય છે

આશને નિ:શ્વાસના કાપી રહ્યો છું જિંદગી,
હું હવા દઉં છું તે નૌકાનું વહન થઈ જાય છે.

તાજથી મુમતાઝના, મારૂ હૃદય કંઈ કમ નથી,
જીવતી એમાં તમન્નાઓ દફન થઈ જાય છે.

કંટકોના દિલની કોમળ ભાવના, રંગીન આશ;
એના પડખામાં ફળી-ફૂલી સુમન થઈ જાય છે.

આ જવાનીના ગુનાહો કેટલા રંગીન છે !
દિલના પાલવમાં ભરી લેવાનું મન થઈ જાય છે !

માની લીધેલાં દુખો જીવનસહારો થઈ પડયાં,
કલ્પનાના કંટકો આજે સુમન થઈ જાય છે.

વિશ્વની રંગીનતા આલેખવા ચાહું ‘ગની’,
પણ અજાણ્યે જિંદગાની પર મનન થઈ જાય છે.


0 comments


Leave comment