55 - તકદીર રાખું છું / ગની દહીંવાલા


હૃદયને ભીંજવી દે એટલી તાસીર રાખું છું,
વરસતી વાદળી ! હું પણ નયનમાં નીર રાખું છું.

સભામાં સ્તબ્ધ સૌ થઈ જાય છે મારી દશા જોતાં,
બની તસ્વીર, સાથે સેંકડો તસ્વીર રાખું છું.

નિહાળી રમ્ય દૃશ્ય મેળવું છું તીવ્ર સંવેદન
ખુશીનાં સાધનો દ્વારા હૃદય દિલગીર રાખું છું.

દીવાનાનું રુદન ને હાસ્ય, બંને એકસરખાં છે,
હસું છું તો છતાં વાતાવરણ ગંભીર રાખું છું

મહોબ્બતના સરોવરમાં કમળ જીવનનું ખીલ્યું છે,
ઊડે છે છોળ પર્ણોથી, નીતરતાં નીર રાખું છું.

કોઈ નિશ્ચિત સમયની જેમ તારે આવવું પડશે,
બળેલું પણ હૃદય, ફૂટયું છતાં તકદીર રાખું છું

હજી મૃત્યુને આકર્ષી રહ્યું છે, કૈંક છે એમાં;
‘ગની’, લૂંટાએલા જીવનમહીં પણ હીર રાખું છું.


0 comments


Leave comment