56 - કોઈના વિચારો ! / ગની દહીંવાલા
એક પુષ્પને જોયા પછી કોઈના વિચારો !
ઉપવનમહીં વીંટળાઈ વળી મુજને બહારો.
છે કોની ફળી-ફૂલી તમન્નાનાં પ્રતીકો ?
આકાશમાં ખીલી ઊઠયો પ્રત્યેક સિતારો.
આવો કે હવે આંખમાં આવી ગયાં આંસુ,
કંઈ ઉગ્ર થતા જાય છે ધીરજના પ્રકારો.
ઉપકાર કરો તો ય એ અપમાન ગણાશે,
કોઈને બિચારો કહી દેશો ન સહારો.
બાળીને તમે ભસ્મ કર્યું એમ હૃદયને,
જે રીતથી અકસીર બની જાય છે પારો.
દુનિયાથી વિશાળ, આપના પડખામાં હૃદય છે,
એ વિશ્વનો વિસ્તાર “ગની” ખૂબ વધારો !
0 comments
Leave comment