62 - દેખાતા નથી ? / ગની દહીંવાલા


જ્યાં સુધી એના વદનના ભાવ પરખાતા નથી,
જિંદગીના ત્યાં સુધી પ્રશ્નો ઉકેલાતા નથી.

કહી ઊઠયા તારા, ધડકતું જોઈને મારું હૃદય:
હાય ધરતી સાથ કાં સંબંધ જોડાતા નથી !

આ અમારી લાગણી સાથે રમત રમશો નહીં,
સાંભળી લો, આગ સાથે ખેલ ખેલાતા નથી !

છે મધુરા ગીત સમ એકાંતમાં તારું સ્મરણ,
કોઈ પાસે હોય છે ત્યારે અમે ગાતા નથી.

ભાન છે એને કે મારે દુખ અતિશય થઈ ગયું,
ભાન ભૂલેલા સુરાલયમાં કદી જાતા નથી.

ઓર ભડકાવી મૂકો મારા જીવનની જ્યોતને,
છે અધૂરી આગ, જાણે પૂરતી શાતા નથી.

મારી સામે જોઈ મોઢું ફેરવી લેવું, અને
પૂછવું પરને,’ગની’ કાં આજ દેખાતા નથી !


0 comments


Leave comment