2.1 - ભાવપૂર્ણ અને અર્થપૂર્ણ પંખીગીત / કોયલ બેઠી આંબલિયાની ડાળ / બળવંત જાની


    પંખીલોક તરફ સમાજ તળપદા લોકને અપાર પ્રીતિ હાય છે. એના જીવન સાથે વિવિધ રીતે અને વિવિધ સંદર્ભે વણાઈ ગયેલ હોય છે પંખીજગત. એને શુકન-અપશુકનથી માંડીને પ્રભાતના પ્રથમ પ્રહરને જગાડતા પ્રવૃત્ત કરતા કૂકડાના અવાજથી અને સાંજે પંખી પાછા ફરે માળામાં ત્યારે પોતાનું કામ આટોપે લોક. માનવજીવનની પ્રવૃત્તિઓનું એ આરોપણ કરે છે પંખીજગત પર. પંખીના ગૃહજીવનની અનેક વાર્તાઓ મળે છે. ‘એક હતી ચકી અને એક હતો ચકો’ થી માંડીને ‘જાવ કાબરબાઈ કાલ સવારે આવું છું’ જેવી કંઈ કેટલીય વાર્તાઓની પાત્રસૃષ્ટિમાં માનવજાત નહીં પણ પંખીજગત કેન્દ્રસ્થાને રહેલું છે. અરે આખું પંચતંત્ર કે નીતિબોધની કંઈ કેટલીય વાર્તાઓ પંખીમુખે જ મળે છે. ‘ઠંડીમાં ધ્રુજતા વાંદરાને ઉપદેશ આપતી સુગરીની, કાગડાની અને બગલાની’ એમ કંઈ કેટલીય વાર્તાઓ આપણી પરંપરામાં છે. પંખીની વાર્તાઓ જ મળે છે એવું નથી એના અનેક ઉદાહરણો સાથે મંડિત ગીતોની પણ આપણે ત્યાં લોકમાં સમૃદ્ધ પરંપરા છે.
 
    પંખીનાં વર્ણનોનો વિનિયોગ કર્યો હોય એને એ નિમિત્તે પંખીઓ ઉલ્લેખ પામે એ એક વાત છે અને માત્ર નર્યા પંખીનાં જ ગીતો હોય, પંખી જ પૂર્ણ રીતે વિનિયોગ પામ્યા હોય એ બીજી વાત છે. આપણી લોકગીતની પરંપરામાં એક સમૃદ્ધધારા પંખીગીતોની પણ છે. આ ધારાની અને એ નિમિત્તે પંખીજગતની સૃષ્ટિના ગીતોની બહુ મુલવણી આપણે ત્યાં થઈ નથી, કહો કે એ પ્રકારના બહુ ગીતો અભ્યાસની સામગ્રી પણ બન્યા નથી.

    દૈનંદીનિય લોકજીવન એટલે માત્ર આનંદ ઉલ્લાસ નહીં, અનેકનો સહયોગ, અનેકના સહિયારા સાથ સહકારથી જીવાતું જીવન અને એમાં સંઘર્ષ પણ સ્વાભાવિક રીતે હોય જ. માત્ર સીધું અને સાવ સાદાઈથી માનવજીવન જીવાતું નથી. સહિયારા જીવનના ઉલ્લાસના અને સહયોગનાં અનેક પ્રસંગની વિગત મળે છે. વિવિધ પંખીઓના ઉલ્લાસયુક્ત અને સહકારસભર – સહયોગના નિરૂપણવાળા એક ગીતમાં એનું દ્રષ્ટિપૂત રીતે થયેલું છે. એ છે તો લગ્નગીત, પણ એમાં વિનિયોગ પામેલ પંખી ઉલ્લેખ તથા ઘટનાઓ તત્કાલીન માનવજીવનની દ્યોતક છે.
નાખ્યો રૂડો માંડવો, સૂડા શરગારે થંભ,
તેતરે તોરણ બાંધિયા, ભલો કીધો આરંભ,
આ પંખીડા વિવા કરે... ૧

મંકોડો હાલ્યો માળવે, લાવ્યો માળવિયો ગોળ,
કુંજડા ઘઉં લાવિયા, ગીતડા ગાય કોયલ.
આ પંખીડા વિવા કરે... ૨

વૈ બેઠી વડાં કરે, કાબર ભરડે છે દાળ,
ઉડતો આવ્યો કાગળો, વૈ ,અમે વડું ચખાડ્ય.
આ પંખીડા વિવા કરે... ૩

કોર ભાંગીને ચખાડ્યું, મીઠું થોડુંક નાખ્ય,
ખોટું લાગે તો મારા સમ, તું તો થોડુંક ચાખ્ય.
આ પંખીડા વિવા કરે... ૪

હંસના હાથમાં સુંડલી, પોતે પીરસે પકવાન,
ગરુડજી ઘી પીરસે, જેમ છે સઘળી જાન.
આ પંખીડા વિવા કરે... ૫

સૂડે મુખવાસ આપિયા, પછી સૌ થયાં તૈયાર,
પોપટજી વરરાજિયા, બેઠા વેલની મોજાર.
આ પંખીડા વિવા કરે... ૬

લીંબડેથી જાન ઉઘલી, ચાલી અદ્ધર તે વાર,
બંગલે બંધુકું બાંધિયું, તેતરે બાંધી તલવાર.
આ પંખીડા વિવા કરે... ૭

આઘે જાતા થયા રીડિયા, ખેરો લૂંટે છે જાન,
પાંખો તોડી કાગાભાઈની, ભૂલ્યો સઘળું તે ભાન.
આ પંખીડા વિવા કરે... ૮

બગલે બાંધી બંદુકડી, તેતરે મારી તલવાર,
ખેરો નાસ્યો અંકાશે, પોતે પામી છે હાર.
આ પંખીડા વિવા કરે... ૯

વડલા તે ગામે આવિયા, વર્યા પોપટી નાર,
હંસ ગોરે પરણાવિયા, થયો છે જેજેકાર.
આ પંખીડા વિવા કરે... ૧૦
    અહીં માંડવા નાખવાથી આરંભ થયો છે. થાંભલા શણગારાયા, તોરણ બંધાયા, ગોળ વહેંચાયા, વડા બનાવાયા જેવી સામગ્રીની વિગતો સાથે વર્ગસગાઇવાળા પંખીના ઉલ્લેખો, રસોઈનો સ્વાદ ચાખવાની વાત અને એમાં સલાહ-સૂચનવાળા સજીવારોપણ અલંકાર જેવા માનવીય ભાવોનું નિરૂપણ ભારે હૃદયસ્પર્શી છે. જાનને લૂંટવાની ક્રિયા, જાન આવી પહોંચી અને પોપટ-પોપટીના લગ્ન યોજાય, એનાં પોંખણા થાય. એમ બધી સાંપ્રત વિધિની વિગતો સ્થાન પામી છે.

    આ પંખીડા વિવાહ કરે, પંખીના બહુવચન માટે અંગસાધક પ્રત્યય ‘ડા’ કેટલો અર્થપૂર્ણ બની રહે છે. લાડકવાયુ પક્ષી તો છે પોપટ. અહીં પોપટના લગ્ન છે પણ એ વિવાહલગ્નની ક્રિયામાં આખું પંખીજગત ગુંથાયું છે. સહકારની, સહયોગની દિશા ચીંધી જતું અને માનવજીવનમાં સહભાગી થતા વિવિધ માનવોનો નિર્દેશ કરતું આ લગ્નગીત સાંજીના ગીત તરીકે પણ ગવાય છે. સાંજીના ગીતો એટલે લગ્નપ્રસંગ પૂર્વે એકાદ સપ્તાહ સુધી નિયમિત રાત્રે લગ્નપ્રસંગ જ્યાં યોજાનાર હોય છે ત્યાં ગામની સ્નેહી-સંબંધી-સ્ત્રીઓ દ્વારા ગવાતા ગીતો. માત્ર ગીતો ણ ગવાય પણ ત્યારે પરચુરણ કામ, અનાજ સાફ કરવાથી માંડીને અનેક પ્રકારનાં કામ પણ થાય. પ્રત્યેકના સહકારથી પાર પડતા પ્રસંગને પ્રતીકાત્મક રીતે પ્રબોધતું આ લગ્નગીત ભારે અર્થપૂર્ણ અને મર્મપૂર્ણ છે. એ માત્ર ગીત નથી પણ માનવજાતને સંપથી સાથે મળીને કામ કરવા પ્રેરતું ભાવગીત છે. પંખીસૃષ્ટિનાં વ્યવહાર દ્વારા પ્રગટતા સમભાવ-સદભાવપૂર્ણ અને વિષયસામગ્રીને આધારે હૃદયસ્પર્શી બની જતા આવા ભાવપૂર્ણ, અર્થપૂર્ણ ગીતો ગુજરાતી લોકસાહિત્યાકાશની તેજસ્વી નક્ષત્રમાળા છે. એના તરફ નજર પડે તો એનું તેજ આપણને એક નવા-આગવા તેજજગતનું દર્શન કરાવે.
(ક્રમશ:...)


0 comments


Leave comment