27 - બનવું જોઈએ / કિરણસિંહ ચૌહાણ


જેમને દશ્યોનું ટોળું એકસરખું જોઈએ,
એમણે બસ આંખ મીંચીને જ જોવું જોઈએ.

મેળવી લીધી મેં જ્યારે આપવાની લાયકાત,
એ ઘડીએ તેં જ નક્કી ના કર્યું `શું જોઈએ?'

ખાઈ-પીને ઊંઘવું એ કંઈ નવી ઘટના નથી,
જિંદગીમાં કૈંક આ ઉપરાંત બનવું જોઈએ.

કોઈને ભૂલી જવું નક્કી કર્યું જો હોય તો..
ઓરડો છોડી બગીચામાંય ફરવું જોઈએ.

ફૂલ બીજાં વસ્ત્રની ઇચ્છા કદી કરતું નથી,
કેમ કે બસ આવરણ એને હવાનું જોઈએ.


0 comments


Leave comment