32 - ખોબો / કિરણસિંહ ચૌહાણ


તમારા જ સ્પર્શોથી છલકાય ખોબો,
અને ફૂલ જેવો બની જાય ખોબો.

બને મુઠ્ઠી, જ્યારે સમેટાય ખોબો,
પછી બહુ પ્રયત્ને ઉકેલાય ખોબો.

હથેળી અને આંગળીઓ પૂછે છે,
અમારાથી કયારે બની જાય ખોબો?

અમે તો વિચારોને વહેતા મૂકયા છે,
ભલે કોઈ આવે, ભરી જાય ખોબો.

મજા છે આ ધીમેથી ખાલી થવામાં,
હું દરિયો બનું, તું બની જાય ખોબો.

સતત માંગવાનું તો સાેંપો ન એને,
પછી દોસ્ત, ખોબો મટી જાય ખોબો.


0 comments


Leave comment