35 - નક્કી કરો / કિરણસિંહ ચૌહાણ


ઘૂમતા મન-મત્સ્યનું શું કરવું છે? નક્કી કરો,
નાથવાના લક્ષ્યનું શું કરવું છે? નક્કી કરો.

અવતરે કયારે પ્રભુ એનો છે સૌને ઈન્તજાર,
આપણા સામર્થ્યનું શું કરવું છે? નક્કી કરો.

જીવવાની સાવ સહેલી રીત ફાવી ગઈ અગર,
તો હવે વૈવિધ્યનું શું કરવું છે? નક્કી કરો.

ભૂખ, આંસુ, યાતનાઓ ને રઝળતી આ ક્ષણો,
આ બધાંયે દૃશ્યનું શું કરવું છે? નક્કી કરો.

નીચે ઉતરવું સહજ છે, થાક પણ લાગે નહીં,
ઉચ્ચતાના લક્ષ્યનું શું કરવું છે? નક્કી કરો.


0 comments


Leave comment