38 - ઉમેરાઈ જાય છે / કિરણસિંહ ચૌહાણ


ભોળીભટાક લાગણી લલચાઈ જાય છે,
નીકળે છે ઘરની બહાર ને વેચાઈ જાય છે.

વંટોળ, ધૂળ, તાપ ને વરસાદ ધોધમાર,
વૃક્ષોથી આ બધું સદા પહેરાઈ જાય છે.

અંધાર વચ્ચે કંઈ સદા ઝળહળ થયા કરે,
પાંપણમાં નાનુ સ્વપ્ન જો ઘેરાઈ જાય છે.

જગમાં હવે તો દોસ્ત અગોચર કશું નથી,
આંખો કરું છું બંધ ને દેખાઈ જાય છે.

નબળા પ્રસંગ હોય તો ચર્ચાય બે ઘડી,
છાપાની જેમ જિંદગી વંચાઈ જાય છે.

કાવ્યો લખું તો એટલી ઊર્જા મળે મને,
મારામાં જાણે કોઈ ઉમેરાઈ જાય છે.


0 comments


Leave comment