39 - લૂંટાવવું છે / કિરણસિંહ ચૌહાણ
સ્વયં પ્રકાશિત આ આગિયાને મળ્યું છે જે કંઈ, પ્રસારવું છે,
તમસના કાળા ડિબાંગ દરિયે આ તેજ થોડું સમાવવું છે.
ન શ્વાસની કંઈ ફિકર કશીયે, શરીરની પણ જરૂર કયાં છે?
તમારા મનમાં વિચાર થઈને, અમારે જીવન વિતાવવું છે.
કદાચ આ ઝંખનાની સાથે સદાયે ઊભા રહે છે વૃક્ષો,
આ ઢળતી સંધ્યાના મસ્તકેથી સૂરજનું બેડું ઉતારવું છે.
રસમની વચ્ચે, કસમની વચ્ચે, રહી રહીને ભસમ થવાનું,
ભસમ થવાના રિવાજ વચ્ચે અમારે જીવન ટકાવવું છે.
તમે ભલે ને ઘણુંય પામ્યા, કશું જ સાથે ન લઈ જવાશે,
હવે એ નક્કી તમે કરી લ્યો, લૂંટાવું છે કે લૂંટાવવું છે.
0 comments
Leave comment