40 - મજાનું / કિરણસિંહ ચૌહાણ


નથી માત્ર મારું, આ દુ:ખ છે બધાંનું,
ઉતાવળમાં કોરું રહી જાય પાનું.

અહીં આંખ મીંચો, પણે આંખ ખૂલે,
આ જીવન તો છે એક સપનું મજાનું.

જરા સ્થિર થઈએ તો સરનામું થઈએ,
પછી કહી શકીશું તને આવવાનું.

તમે જે પ્રયત્નોથી કાઢ્યું ગળેથી,
ગળે કેમ ઊતરી શકે એ બહાનું!

ન માનો તો ગાયબ ને માનો તો હાજર,
આ ઈશ્વર તો છે શિલ્પ જાણે હવાનું.


0 comments


Leave comment