1.51 - શ્યામ જાશે તો.... / મુકેશ જોષી


માધવની વાંસળીના પડઘાતા બોલ
બોલ સાંભળીને રાધાને દેવા’તા કોલ
કોલ કેમે દેવાય રાત બાકીમાં એક
એક હૈયું ને વેદના તળિયા લગ છેક
છેક આંખોમાં આવીને ઊમટેલાં પૂર
પૂર લાવ્યા’તા એક દી વાંસળીના સૂર
સૂર સાથે સંધાન, મળ્યું મનગમતું નામ
નામ મટકીમાં મૂકીને વેચ્યા’તા શ્યામ
શ્યામ જાશે તો આંખોનું ઉજ્જડ આ ધામ... શ્યામ જાશે તો....

હવે યમુનાને તીર થશે સૂના રે ઘાટ
ઘાટ કેમ કરી જાશે સહુ ભરવાને માટ
માટ માથે મૂકે ને તોય છલકે ના નીર
નીર આંખોથી છલકે તો ભીંજાશે ચીર
ચીર કોણ જશે ખેંચીને સંતાડે ડાળ
ડાળ તૂટું તૂટું કે ક્યાંક પડશે રે ઝાડ
ઝાડ ધ્રૂજે ને યમુનાની લહેરોમાં કંપ
કંપ એવો કે ક્યાંય નથી વળતો રે જંપ
જંપ કેમ કરી અટકાવું હૈયાનો, રામ... શ્યામ જાશે તો...


0 comments


Leave comment