1.52 - મારા આયખામાં ઓચિંતી સાંજ પડી ગઈ / મુકેશ જોષી


મારા આયખામાં ઓચિંતી સાંજ પડી ગઈ
ઊગું ઊગું એક સૂરજ જોવા, આંખ ખોલી તો બેય મારી આંખ પડી ગઈ.

દિવસો તો કેડેથી વાંકા ને રાત સાવ બોખી ને મુખમાં વવરાટ
સંબંધે સંબંધે કરચલીઓ હૂંફ કાજ હાંફેલી આયખાની ખાટ
અધખુલ્લા કાનોથી ટહુકાઓ ભાગ્યા, ને કાનોમાં સમસમતી ધાક પડી ગઈ
મારા આયખામાં ઓચિંતી સાંજ પડી ગઈ.

ઇચ્છાની ભમ્મર ને પાંપણ સફેદ, થયાં સમણાંય લાકડીને ટેકે
ગળચટ્ટા, મધમીઠા દિવસોને કોઈ, હવે છાતીથી દૂરદૂર ફેંકે
એક નામ, શ્વાસનો ટેકો હતો, જાત એની ખસીને મારી જાત પડી ગઈ
મારા આયખામાં ઓચિંતી સાંજ પડી ગઈ


0 comments


Leave comment