1.53 - આખું ગોકુળ પછી હેલે ચઢ્યું / મુકેશ જોષી


મિસરીના ટુકડાઓ આરોગી શ્યામ,
તમે ગોકુળને મધ-મીઠું કીધું
આખું ગોકુળ પછી હેલે ચઢ્યું
તહીં મથુરાનું નામ કેમ લીધું
શ્યામ! તમે છેહનું જ કામ અરે કીધું

ગોકુળના શ્વાસોના ધબકારા શ્યામ,
શ્યામ આંખોમાં આવતાં સ્વપ્નાંયે શ્યામ
કાલિંદીતીર શ્યામ, વહેતાં એ નીર શ્યામ
વાતો સમીર શ્યામ, ગોપીઓનાં ચીર શ્યામ
નાનકડા વાંસળીના પોલા ટુકડામાં શ્યામ
ગોકુળને કેદ કરી લીધું... આખુ ગોકુળ

મટુકીમાં વેચાતાં માધવનાં મોલ, મોલ
મથુરાએ એવા તે દીધા શું શ્યામ
લથડે ગોપીની ચાલ, ઊતરે આંસુના ફાલ
ઝૂરતું જનનીનું વ્હાલ, રાધાની આંખ લાલ
મધરાતે ગોકુળના સરનામે આવીને
મઝધારે આમ ઠેલી દીધું... આખુ ગોકુળ

પહેલેથી જાણ હોત, અધવચ્ચે છોડીને
આપનો વિચાર એક જાવાનો શ્યામ
માખણ સમેત અમે હૈયાં ન દેત
અને મનને પણ કહેત ચાલ થઈ જા સચેત
વ્હાલપની વ્હેંત ભરી પાસે આવ્યા
ને તમે જોજનનું અંતર દઈ દીધું
શ્યામ! તમે છેહનું જ કામ અરે કીધું... આખુ ગોકુળ


0 comments


Leave comment