1.54 - કવિ, તું કવિતા લખ / મુકેશ જોષી


મૂકી દેને નામ-ઠામ ને દામ તણી તવ મમત, કવિ, તું કવિતા લખ
તારામાંથી તેજ ફૂટે ને જુએ આખું જગત, કવિ, તું કવિતા લખ

કવિ, તું તારી મસ્તી વેચી માનપાનના સરનામે અટવાઈ જતો ના
અક્ષર તારો ધરમ, કવિ, તું લક્ષ્મીજીની નાત મહીં વટલાઈ જતો ના
ચારેપા સોનેરી હરણાં, પહેરો રાખ સખત, કવિ, તું કવિતા લખ
તારામાંથી તેજ ફૂટે ને જુએ આખું જગત, કવિ, તું કવિતા લખ

કવિ, તું તો આભનો તારો ને તારાઓ અંદર અંદર કોઈ દી બાઝે નહીં
જેને ખૂબ વરસવું હો ને એવાં વાદળ અમથાં અમથાં કોઈ દી ગાજે નહીં
વરસ હજુ તું મૌન બનીને, રાખ કોઈ ના શરત, કવિ, તું કવિતા લખ
તારામાંથી તેજ ફૂટે ને જુએ આખું જગત, કવિ, તું કવિતા લખ

સૈકાથી થાકેલો ઈશ્વર, તારા ઉપર શ્રદ્ધા મૂકી ફરમાવે આરામ
કવિ, તુંય ઈશ્વરનો બચ્ચે કલમ લઈને કરી જ શકશે ઈશ્વરજીનું કામ
શબદ તણી તું બનાવ નૌકા વહેતી મૂક તરત, કવિ, તું કવિતા લખ


0 comments


Leave comment