1.55 - નહીં ઘાવ તોય ગોકુળ હણાયું.. / મુકેશ જોષી


યાદોની ડમ્મરીઓ એવી ચઢી કે રામ,
આખું ગોકુળિયું તણાયું
ગોકુળને એક જણ છોડી ગયું
પછી આખું ગોકુળિયું હણાયું
નહીં ઘાવ તોય ગોકુળ હણાયું

કોઈનાં જાતાં પગલાંઓની છાપ,
ઊડી થઈ બેઠી છાતીના ચીરા
એક એક ગોકુળના ઘરમાં સુકાય
અરે! ફાટેલાં આંસુના લીરા
પંખીની ચાંચથી ઝાડનાં મૂળિયાં લગ
સોંસરવું કોણ આ વણાયું... નહીં ઘાવ...

પાદરમાં ઊગેલું ઝાંખું પરોઢ,
હજુ આંખોમાં આંજ્યું ના આંજ્યું
એવા ગોકુળ ઉપર સૂરજ ઝીંકાયો ને
આખું ગોકુળિયું દાઝ્યું
દાઝ્યું ને તોય એનાં સ્મરણોને બાઝ્યું
એટલે એ ઘેલું ગણાયું... નહીં ઘાવ..


0 comments


Leave comment