1.56 - હરિ જ આવે યાદ.. / મુકેશ જોષી


રહી રહી ને હરિ જ આવે યાદ
પોતે શબદ લખાવે પાછા પોતે આપે દાદ... રહી રહીને

હરિ જ મારી કૂંપળ વયમાં
ઝાકળ થઈને વરસ્યા એનું રટણ આંખમાં
ડરતાં ડરતાં ઊડું આભે
જોઉં જરા હું પાછળ હરિવર હોય પાંખમાં
મારી ઉડાન પડતું મૂકે, હરિ થાય જો બાદ... રહી રહીને

કદી જાતને ખીલે બાંધું
નથી જ જાવું આજ સ્મરણમાં હરિ કને
ગાયના ધણથી છૂટા પડેલા
વાછરડાને થાય એવું થાય મને
મને કશું જો થાય, હરિવર પાડે સામો સાદ... રહી રહીને


0 comments


Leave comment