1.57 - મારી મીંચાતી આંખમાં... / મુકેશ જોષી


રાત પડ્યે કેવા વંટોળ ચડે રે મારી મીંચાતી આંખમાં
સપનાની વણજારણ કેવી રડે રે મારી મીંચાતી આંખમાં

રેતીના ટીલ્લા પર ગોબા થઈ જાય
એમ, માથું પછાડતો વાયરો
હું મારા આયખાની શોધમાં નીકળું, ને
એમાં વંટોળ ભરે ડાયરો
ડાયરામાં ડૂસકાંની તાલી પડે રે મારી મીંચાતી આંખમાં...

છાતીના આગળના ઇચ્છાના ખિસ્સામાં
ડમ્મરીઓ એટલી ભરાતી
બુશકોટું હોય તો ખંખેરી નાખીએ
કેમે ખંખેરવી છાતી
છાતીથી નકરાં પોલાણ દડે રે મારી મીંચાતી આંખમાં...


0 comments


Leave comment