1.59 - રોજ તારા નામનો કક્કો ગોખું... / મુકેશ જોષી


રોજ તારા નામનો કક્કો ગોખું
તને મળવાનાં ગોખું પલાખાં
મૂળિયાંની જેમ જાય ઊડી ના કેમ
આ લાગણીની વિસ્તરેલી શાખા...

મારી ભૂગોળના દરિયા તુજ આંખમાં ને વાંચતાં આ જાત ડૂબી ગઈ
સૂરજ ઊગે તે દિશા પૂરવ કહેવાય, તો તું ઊગે એ દિશા કઈ;
પડતા વરસાદના કારણમાં એટલું, સ્મરણોનાં ચોમાસાં આખ્ખાં... રોજ

પાણીપત નહીં, પાણીદાર એવી આંખોથી જખ્મી થયાનો ઇતિહાસ
બે હૈયાંઓ વચ્ચેની ત્રિજ્યાઓ માપવામાં પડતો ભૂમિતિમાં ત્રાસ
રોજ તારી યાદનું હું લેસન કરું ને તોય થાતા ન કોઈ વિષય પાકા... રોજ

તારા ને મારા સરવાળાનો દાખલો, આવડે એક બસ ગણિતમાં
બાકીમાં એટલી તો ભૂલો પડે, હું શોધું જવાબ તારા સ્મિતમાં
મોનાલીસા જેવું મર્માળું સ્મિત, મને પડતાં ઉકેલવાનાં ફાંફાં... રોજ


0 comments


Leave comment