1.60 - રોશનીમાં અંધારું ભેળવીને આપો... / મુકેશ જોષી


રોશનીમાં અંધારું ભેળવીને આપો,
મારે ના જોઈએ સૂરજમુખી,
રાતરાણી ઊગે તોય કાપો...

બળબળતી રેતીથી છેટો રહું ને
રહું દરિયાનાં મોજાંથી દૂર
પળમાં છલકાય વળી પળમાં સુકાય
મારે ઝરણાનાં પ્હેરવાં નૂપુર
તરતાં ન આવડે ને હોડી ના જોઈએ
આપો નાનકડો તરાપો... મને રોશનીમાં

નભનાં પોલાણ નથી ચીરવાની આશ
નથી પાતાળો ફાડીને જોવાં
થોડાં આંસુ મારે હસવાને હોય
અને થોડાં આંસુઓ હોય રોવા
કાંટાળી કેડી કંડારવી નથી
છતાં પથરીલો પંથ ભલે વ્યાપો.. મને રોશનીમાં

પગલાંમાં હણહણતા ઘોડા ન હોય
નહીં કીડીઓના વેગ સમી ચાલ
થોડું દોડાય, થોડું હાંફી જવાય
થોડા સાચા-ખોટા હો ખયાલ
મળવાની આશ ભલે સાચી ઠરે
છતાં કીકીઓને જોઈએ ઝુરાપો.. મને રોશનીમાં


0 comments


Leave comment