1.61 - મનગમતા ચહેરાની પાસે લઈ ચાલો.. / મુકેશ જોષી


લાડમાં ઉછેરેલાં સમણાંઓ બોલ્યાં :
તારી આ વાત નહીં ચાલે
મનગમતા ચહેરાની પાસે લઈ ચાલો
ખાલી આ યાદ નહીં ચાલે...

આખો ઝુરાપો નિચોવી નિચોવીને
તેલ પૂર્યે રાખ્યું છે એટલું
સમણાંની વાતોય સાચી કે
યાદના દીવાનું અજવાળું કેટલું?
એક ટીપું અજવાળું આખીય જિંદગીની
રાતોની રાત નહીં ચાલે...મનગમતા...

વ્હાલપની છાલક જે મારી એ હાથોમાં
છાલાંના વ્યાપ અમે આંક્યા
ઠેરઠેર મળવાનાં વાવ્યાં’તાં બીજ
છતાં શ્વાસે જુદાગરાઓ પાક્યા
દરિયો ભરીને અમે રોયા ને તોય કહે
આવો વરસાદ નહીં ચાલે...મનગમતા..


0 comments


Leave comment