1.63 - વિચાર છું... / મુકેશ જોષી


વિચાર છું હું મન તણો છતાંય ધારદાર છું
સમગ્ર વિશ્વને ધ્રુજાવતી કથાનો સાર છું

અનંત આભથી લઈ ધરા લગી રહું સતત
મને જ રોકનાર ખીણમાં પડે બહુ વખત
મને જે સાચવી શકે છે દોસ્તીના દાવથી
હું એમનું જ શસ્ત્ર છું ને તર્કનો પ્રહાર છું
... વિચાર છું

હું ભેદ, છેદ, કેદ કે હરેક કર્મ કુળમાં
કદીક ઝાડપાન થઈ ઝૂલું કદીક મૂળમાં
બની શકું પવન થકીય પાતળો કદી કદી
અને કદી સહસ્ર પહાડથી વધુય ભાર છું
... વિચાર છું

પવિત્ર હું બની શકું, બની શકું હું પાપ પણ
તમે જ ભાગ્યમાં લખી શકો, જળાશયો કે રણ
અનેક વાતના તરંગને ધરું હું ગર્ભમાં
તમે નિહાળતા એ દૃશ્યનો હું ચિત્રકાર છું
... વિચાર છું.


0 comments


Leave comment