1.65 - રાધાનું ગામ સાવ ધૂળિયું.. / મુકેશ જોષી
શ્યામની પાસે તો દરિયામાં દ્વારિકા
રાધાની પાસે ગોકુળિયું
શ્યામની ઝગમગતી ઝળહળતી નગરી ને
રાધાનું ગામ સાવ ધૂળિયું
શ્યામના તડકાના સોનલ ઉઘાડથી
દ્વારિકા સોનાની લાગે
આ બાજુ ઝાંખી ને ઝાંખી રાધિકા
આવી ગોકુળિયાને ભાગે
શ્યામનાં પાન અને ફૂલો દ્વારિકાને:
ગોકુળની ધરતીને મૂળિયું....
આખી વસંત એના ઠાઠમાઠ સાથે
જઈ દ્વારિકે કરતી વસવાટ
રાધાની આંખમાં ચોમાસે ચોમાસાં
ગોકુળિયા ગામમાં ઉચાટ
તાંબાના કળશો મુકાય મહેલટોચે
ને, રાધાનું તૂટતું રે નળિયું...
રાજાના મહેલમાં ઓછપ શી હોય?
છતાં ઓછપ એક ગોકુળિયા ગામથી
ગોકુળિયું ગામ સાવ ખાલી ને તોય
હતી રાધિકા ભરચક ઘનશ્યામથી
શ્યામની આંખે ના ક્યારેય ભૂંસાયું
ના ક્યારેય સુકાયું ઝળઝળિયું...
0 comments
Leave comment