4 - અનુભાવન / શિશિરે વસન્ત / પ્રસ્તાવના / રામપ્રસાદ પ્રે. બક્ષી


! शिशिरे वसन्त : !
पर्येति चकं नियमाद्द ऋतुनाम्
गते वसन्ते शिशिरो ड्नुयाति !
परं कदाचित् पुरुषस्य चिते
उदेति भूय: शिशिरे वसन्त: !!

(૧)
    જેને માટે ઊર્મિકાવ્ય એ નામ પ્રચલિત બન્યું છે, અને જેને માટે હું સ્વસંવેદનાત્મક કાવ્ય એ નામ યથાર્થતર માનું છું, એવા શ્રી સુંદરજી બેટાઈનાં કાવ્યો એમાંની કાવ્યત્વસાધક સામગ્રીની સમૃદ્ધિને કારણે મને આસ્વાદ્ય અને આહલાદક બન્યાં છે.

    એ સામગ્રી એટલે ભાવકના ચિત્તને ચર્વણનો અવકાશ આપે એવું – છતાં હૃદયને સંતર્પક બને એવી ભાવમયતામાં પરિણમતું – ચિન્તન; એ ભાવનું અનુકૂલ વાહન બને તેવા પદ્યલય; અને એ ભાવની હૃદયપ્રતીતિને સહાયક બને તેવી લલિત પદાવલિ.

    શ્રી બેટાઈ માનવજીવનના વૈયક્તિક અને સામૂહિક જીવનના ભાવ-પ્રભાવનું ચિત્તમાં ગ્રહણ અને મનન કરનારા છે; અને પ્રકૃતિના અસુંદર-સુંદર તત્વો પ્રત્યેનો એમનો પ્રતિભાવ પણ મનનશીલ છે.

    માનવજીવનજનિત એ ભાવસમુદાય અને પ્રકૃતિપ્રેરિત પ્રતિભાવ એમના હૃદયમાં ગહન-સંવેદનરૂપ બની જાય છે, એમનાં પટુસંવેદન ચિત્તને ઊર્મિતરલ બનાવે છે. અને એ સંવેદન, એ ઊર્મિ, ઊર્મિકાવ્યરૂપે અભિવ્યક્તિ પામે છે.

    અને અભિવ્યક્તિની વાણીરૂપ વાહન એમનાં એ સંવેદનો, એ ભાવોર્મિને એને અનુકૂળ એવા લયમાં વહાવે છે, એને અનુકૂળ એવાં શબ્દસંયોજનો દ્વારા પ્રગટ કરે છે.

    પરિણામે એ પદસંનિદેશ શ્રુતિગમ્ય રવલીલા, એ રવલીલાનો સ્વીકૃત પદ્યલયમાં સહજ અકિલષ્ટ વિનિયોગ કાવ્યગત બુદ્ધિગમ્ય ચર્વણક્ષમ તાતને અને હૃદયાસ્વાધ્ય ભાવમય તાતને પોષક નીવડે છે, અલંકારક નીવડે છે.

    અર્થાત્ ‘અલંકાર’ શબ્દ એમના કાવ્યમાં એનાં યૌગિક અર્થમાં સાર્થક બને છે. અલંકાર એટલે શૌભાકાર તત્વ એ સર્વપરિચિત અર્થ છે, પણ એ શબ્દનું પ્રથા, પદ અલમ્ તે વૈદિક અરમ્ શબ્દ છે, જેનો પ્રયોગ “પર્યાપ્તીકરણ” સૂચવવા માટે થયો છે. જે અપર્યાપ્ત હોય તેને પર્યાપ્ત કરવું તે અલંકરણ. આ રીતે કાવ્યમાં અલંકારનો ધર્મ છે અભિવ્યક્તિને પર્યાપ્ત કરવાનો અને તે દ્વાર વક્તવ્યને શોભાવવાનો, કાવ્યમાં શબ્દસદ્ય ચમત્કૃતિ તત્વ આણવાનો.

    આ ધર્મ અર્થાલંકાર વર્ણસાન્નિધ્યની ચમત્કારતા દ્વારા બજાવે.
    આ ચમત્કૃતિસાધક દ્રિવિધ પ્રક્રિયાનો સાક્ષાત્કાર કરાવે એવી થોડીક કાવ્યપંક્તિઓ-નમૂના રૂપે-અહીં આપું છું.:
‘ते તો ते જ’ ‘हूं તો हूं જ’, ‘એ ભ્રમગુંજમાં
પંડે પ્રપંચિત કામણી ને દામણી મધુકુંજમાં
શતકપટપુષ્પે ક્ષુબ્ધ તો યે લુબ્ધ
મારું ચિત્ત ચોર રમ્યા કર્યું !
મધુ-અશન વિષરસવમન કરતું અમનચમને ઉલ્લસ્યું !
- “દુર્ભાગ્ય હે!”
* * *
આથમવા ઓસરવા જેવું
વગર આથમ્યું વગર ઓસર્યું કેટકેટલું
અહીં તહીં સર્વત્ર ઝલપતું
મદમીંઢું , બહુબોલું છતાંયે,
નિકટ દૂર કંઈ વિકટ વિફરતું
દમ્યા કરે છે કેમ ?
- “ઊગે સૂરજ-સૂર્ય આથમે”
* * *
અભ્રશિરો આચ્છાદી રહેલું –
સર્વદિશે ઉચ્ચતર મુક્તમુક્ત વિસ્તરી રહેલું
નીલ એ નિતાન્તનીલ
નભ સ્થિર ગમ્યાગમ્ય પરાત્પર –
શ્રીમાં તેની વિસ્મત ચકિત ધન્ય ધન્યતર થતું
અછતું છતું છતાં યે
એકરૂપ એકરસ સરૂપ અરૂપમાં અરૂપ બન્યું
અંતર અંતર મારું !
- “ભલે ગાતું ! ભલે ગાતું !”
* * *
દેવે દીધેલ પુષ્પોને વન્દવાં અભિનન્દવાં,
કલાદોરે પરોવી વા સૌભાગ્ય અભિવર્ધવાં.
* * *
ભોમાતરફ એ સૌને વ્યોમતારકવૈભવ
રજનીલહરે લ્હેરી મુદ્દા દેવી મહાલવા.
- “દેવે દીધેલ પુષ્પોને”

    જગન્નાથ પંડિતે, એક ફારસી કહેવતને અનુસરીને, કહ્યું છે :
न ही कस्तूरिकामोद: शपथेन विमव्यते

    કસ્તૂરીનું સૌરભ સ્વયમેવ સર્વજનને પરખાય, એને માટે કહેવું ન પડે કે ‘મારા શપથ, આ કસ્તૂરી છે.’ શ્રી બેટાઈની આ પંક્તિઓનો આસ્વાદ સહૃદયભાવક સ્વયમેવ કરી શકશે. શ્રી બેટાઈના કવિકર્મને લાગું પડે એવી પંક્તિ ઉપર આપેલાં અંતિમ અવતરણમાં છે તે તરફ ધ્યાન દોરું છું :
“કલાદોરે પરોવી વા સૌભાગ્ય અભિવર્ધવાં.”

    ચિંતનવેલે ખીલેલાં ભાવપુષ્પોને કલાદોરે પરોવીને સૌભાગ્ય અભિવર્ધન એ કવિકર્મ છે : એમાં વિકલ્પપ્રશ્નને અવકાશ નથી, પ્રકૃતિગતપુષ્પો પરત્વે ભલે હોય.

    સૌભાગ્ય અભિવર્ધિત કરે એવી ‘કલાદોરે પરોવાયેલાં’ ચિન્તનરત્નો પણ આ કાવ્યસમુદાયમાં અનેક છે-એ અનેકમાંના ગણતર દાખલા છે આ કાવ્યો :
"શું શૂન્યતા શાશ્વત દિવ્યતા વા ?”
“આદિવરાહ, કહો !”
“લીલા આ અંધ નિર્ધ્રુણા.”

    આવાં કાવ્યોમાં ભૂમિકા – કવિની મનોભૂમિકા-ચિન્તનની છે, પણ એ ચિન્તન સંવેદનમય છે; એમાંથી ભાવવલ્લરીનો ઉદ્દગમ થાય છે, એમાં સુન્દરસુરભિ શબ્દકુસુમો ખીલે છે અને કવિ એને કલાદોરે પરોવીને સૌભાગ્ય અભિવર્ધે છે.
(૨)
    અર્થાત્ શ્રી સુંદરજી બેટાઈનાં આ કાવ્યોમાં મનોમન્થનોનો વિસ્તાર નથી. પણ માત્ર એ મનોમન્થનમાંથી પરિણમતી મનોદશાનો ઉલ્લેખ છે અને એમાંથી તરી આવતા ભાવનવીનનું અસ્વાધ્ય અર્પણ છે, અને એ ભાવનવનીતના આસ્વાદનું પરિપોષણ કરતી પ્રતીકયોજક કલ્પના છે અને એનું શ્રુતિગમ્ય પ્રતિસ્વનન કરતુ શબ્દગુંફન છે, વર્ણોનું શ્રુતિસુભગ સાહચર્ય છે.

    “ભલે ગાતું, ભલે ગાતું !” કાવ્યમાં કવિચિત્તની પ્રકૃતિતત્વો સાથે તન્મયતા છે–નભ અભ્ર ચન્દ્ર સાથે; અને નભોનીલિમાની પ્રભાવે કવિચિત્ત પણ નીલપંખી બની જાય છે : -
“નીલપાંખે નીલપંખી બની જાણે
નભે નીલિમાનાં નીલું રતિ ગીત ગાતું !”

    જેનું શીર્ષક “કહાન ને રાધા” છે, પણ ‘ધનવિદ્યુત’ પણ હોઈ શકે એ કાવ્યમાં એ માનવયુગલ અને પ્રકૃતિતત્વ યુગલ એકાકાર બને છે :
“મેઘને અંતર વીજ રમે,
રમે વીજહદે ઘનશ્યામ:
ભક્તિ રમે ઘનશ્યામને અંતર,
ભક્તિ-હદે ઘનશ્યામ.”

    રાધાને અહીં ભક્તિ છે તેનું રાધા એટલે મૂર્તિમતી આરાધના એ માન્યતાથી સમર્થન થાય છે.
    “જીવિત હો ભલે...!” કાવ્યમાં પણ કવિચિત્તનું પ્રકૃતિતત્વથી તાદાત્મ્ય છે :
“લીલમલીલાં બાલતૃણોનું સરવર સાંધ્યસમીરે
પેખી કો ભીતર મન્દમનોરમ લીલા હીરવી લ્હેરે !
ફૂલ દેખી મારું ચિત્ત ચમત્કૃત
ફૂલ ફૂલ થઈ ફૂલે.”

    આ કાવ્યસમુદાયમાં એક જૂથ છે કવિની પ્રભુ પ્રત્યે. પરમતત્વ પ્રત્યે અભિમુખતાનાં અને તજ્જન્ય અને આર્તતાનાં કાવ્યોનું : એમાંની આ પંક્તિઓ શ્રી બેટાઈનાં કવિમાનસનું દર્શન કરાવે છે :
“વિશ્વાત્માનાં ગહન ચિંતનદર્શનોનાં
ઊંડાણ ઉડ્ડયનમાં રત આત્મરિદ્ધિ;
ને કલ્પનો ગહનગોપનને ઉકેલી
જોતી સદા ગહન માનવ-અંતરોનાં,
લ્હેરાવતી લલિતભવ્ય છટાભરેલાં
લીલાવિમાન ઋતકાવ્યકલા સમૃદ્ધિ.”
- “શું શૂન્યતા શાશ્વત દિવ્યતા વા ?”

    ‘વિષાદ જ પ્રસાદ હો !’ એવી કવિની સંધાનવૃત્તિ વિવિધરૂપે અનેક કાવ્યોમાં પ્રતીત થાય છે – પણ વિષાદને પ્રસાદ માનવાની એ વૃત્તિનું બીજ કવિ હૃદયે અનુભવેલાં વિષાદમાં છે એ જોઈ શકાય છે. એનું એક દ્રષ્ટાંત છે “દુર્ભાગ્યદેવત હે !” એ કાવ્ય. ‘तत् त्वमसि’, ‘अहं ब्रह्मास्मि’ એ સૂત્રો ગોખ્યા કર્યા છે, વાગોળ્યા કર્યા છે, છતાં એ અભેદ-ભાવના સિદ્ધ થતી નથી, ભેદદ્રષ્ટિ નષ્ટ થતી નથી, જેથી – કવિ કહે છે –
“પંડે પ્રપંચિત કામણી ને દામણી મધુકુંજમાં
શતકપટપુષ્પે ક્ષુબ્ધે તો યે લુબ્ધ
મારું ચિત્ત ચોર રમ્યા કર્યું !”

    અને એ કવિહૃદય, પરમતત્વપરાયણ બનવા મથતું છતાં, આ ઉદ્દગાર કરે છે :
“અશિવંકર આ તે શું શિવર્જક યન્ત્રણા ?
વિશ્વદીપક ! હો ભદ્ર ! લીલા આ અંધ નિર્ધ્રુણા !”

   પણ આ પરિણામ માત્ર પકૃતિની કે ‘વિશ્વદીપક’ની અંધ નિધણતાનું નથી એ પણ કવિ સ્વીકારે છે, અને એ સ્વીકારમાંથી, માનવની જ “અશિવંકરતા”ની પ્રતીતિ વ્યક્ત કરતું “ડરાકતાં અમે દાદુરડાં...?” એ અન્યોક્તિરૂપ વ્યંજનામય કાવ્ય ઉદ્દભવ્યું છે.

    આવા આ માનવવિશ્વમાં કવિની વૃત્તિ તી કલ્યાણપરાયણ જ રહે છે. એ વૃત્તિનું જ આ સમાધાવૃત્તિ નિદર્શન છે :
“કરું વિવિધ પેરે હું, નિરોધ અવસાદનો
ઓછાયો તોય કાં ઘેરો રહે ઘેરી વિષાદનો ?
દૈવનિર્મ્યો દેવડીધો વિષાદ જ પ્રસાદ હો !”

    આ વિષાદ ‘દેવદીધો’ દેખાવ ભલે, પણ વસ્તુત : એ ‘દૈવનિર્મ્યો’ છે – અને દૈવ એટલે માનવનાં કર્મોની ફલશ્રુતિ, એ સૂચવવા માટે જ નહીં પ્રથમ ‘દૈવનિર્મ્યો’ અને પછી ‘દેવદીધો’ એ વિશેષણક્રમ યોજ્યો છે.

    કવિના આ જનકલ્યાણપરાયણ ભાવનાનાં ઘોતક છે “શું ના વ્હેશે પ્રજ્વળે !” અને “જો –” એ કાવ્યો. અને એ જ ભાવના “બલમાં બલ તપ એક” એ કાવ્યમાં અપ્રમાદરૂપ બલમાં કવિની શ્રદ્ધારૂપે વ્યક્ત થઈ છે.
“બલમાં બલ તો એક પંડના અપ્રમાદનું :
પ્રમાદનું ફલ કહ્યું સદા પંડવિનાશનું.”

    અને એ જ ભાવના અને એ જ શ્રદ્ધામાંથી આ પ્રાર્થના અથવા પ્રતિજ્ઞા જન્મી છે:
“હો સાબદા સર્વદા પંચપ્રાણ !
મારું મણોનયન નિત્ય રહો સમાન !
સર્વાત્મથી સર્વનું હો પ્રવર્તન !
સમુજ્જલની નિત્ય હજો સુદર્શન !

“અલ્પ છો સાધન રહ્યાં કિન્તુ ના અલ્પ સાધના !
અલ્પ-સ્વલ્પ વિશે જાગી રહો ભવ્યવિભાવના !”

(૩)
    આ સંગ્રહને અંતે મુક્તકોની મુક્તા માલા મૂકી છે, તેના આરંભમાં આ ‘મુદ્રાવચન’ મૂક્યું છે :
“કદી હૈયે જાતી ઝબકી કોઈ ક્ષણિકા :
રહું નન્દી વન્દી મુદલય ગણી કોઈ કણિકા.”

    આ મુદ્રાશ્લોક કવિની આ સંગ્રહમાંની સર્વ કાવ્યકૃતિઓની ઉદ્દભવ પ્રક્રિયા ઘોતક છે. એ કાવ્યો એક ક્ષણિક ઝબકના ઝબકારે પ્રગટાવેલી ઝબકપરંપરાને ઝીલતાં જળહળાવતાં વિસ્તરે છે, જયારે આ અન્તિમ વિભાગની કણિકાઓ એ એક જ ક્ષણિક ઝબકને ઝીલે છે – પણ ક્ષણપ્રભા વીજળીનો એક ઝબકાર એક ક્ષણમાં પ્રદેશની ઝાંખી કરાવે તેમ વિષયને ઝળકાવે છે. આનાં નિદર્શનો છે “કહાન ને રાધા’ એ કાવ્યને अहे: मेघ: मेघ:” એ મુક્તક, તથા “ભલે ને સચ પ્રજ્વળે !” એ કાવ્ય અને “શ્રદ્ધા” એ મુક્તક.

    આવા મુક્તકોની નિર્મિતિ વિચારની અને ભાવની સઘનતાની અને વાણીની સંશ્ર્લિષ્ટતાની અપેક્ષા રાખે. શ્રી બેટાઈની વિચારમયતા અને ભાવમયતામાં આવી સઘનતાની અને વાણીની સંશ્ર્લિષ્ટતા પ્રતીતિ અવાર-નવાર થયા કરે છે.
(૪)
    એમની વાણીનું એક લાક્ષણિક તત્વ છે સમાન ઉચ્ચાર-અંશોવાળા અન્યોન્યના વર્ણધ્વનિનો પ્રતિધ્વનિ કરતા, શબ્દોનો સહચાર-અથવા એવાં શબ્દોનું સાયુજ્ય એમની કાવ્યવાણીનું આ લક્ષણ આજનું નવું નથી, એમના આગલા કાવ્યસંગ્રહોમાં પણ એનું દર્શન થતું આવ્યું છે. (પૂર્વસંગ્રહોમાંથી આવી પદલીલાની થોડીક વાનગી – અલગ શબ્દોરૂપે-અહીં આપું છું :
ઈન્દ્રધનુ : અરરાટી, કમકમાટી; ડરું નહિ, ડગું નહીં; સ્ફુરે તરે; સરે રમે; રચિતખચિત
વિશેષાંજલિ : સફળસકર્યા; ધખવખ થતી; કચવચ કરું; મોજહસ્ત મોદમસ્ત
તુલસીદલ : ખેરવિખેર; દોડે હોડે ખટખટન્તા ખાતર; સમહોંસિયા, સમચોંટિયા, સમકક્ષ ને સમદક્ષ
વ્યંજના : તાતું તેજ:શર સરે; લખલીલ ક્ષણદીપ
અણુવ્યંજના : શીર્ષાસન, શવાસન, શિવાસન; વકર્યુંવિફર્યું; સારવી તારવી; વિસામવું; શતધાર ને શતવાર)

    પણ મને એમ લાગ્યા કર્યું છે કે એમની વાણીમાંનું આ શબ્દાલંકારરૂપ વિશિષ્ટ તત્વ સમય જતાં વિકસ્યું છે, મધુર પરિપાક પામ્યું છે.

    આ સંગ્રહમાંના કાવ્યોમાં વર્ણઅનુરણનનું એ તત્વ ભર્યું ભર્યું છે : એ કાવ્યો વાચકસમક્ષ છે તેથી હું દ્રષ્ટાંતો તારવી-સારવીને ચીંધતો-નોંધતો નથી.

    આ તત્વને કોઈક કદાચ કેવળ અક્ષરોનો સ્વૈરવિહાર માને, વ્રજ-વાણીએ મધ્યકાલીન ગુજરાતી કવિતાને વારસામાં આપેલી ઝાઝમક માને એ સંભવ સારા લક્ષની બહાર નથી. પણ મને એમ માનવું ન્યાય લાગતું નથી; શ્રી બેટાઈનાં આ વર્ણ અનુરણનો કેવળ શ્રુતિરંજક કે શ્રવણભોજ્ય નથી, એનાં ઉચ્ચારસંસ્કાર કાવ્યગત ભાવને ઉપકારક બને છે, આ શબ્દાલંકારો શબ્દાલંકારો હોવા છતાં અર્થનું અલંકરણ કરે છે, ભાવકના ચિત્તમાં સંક્રાન્ત થતા ભાવની એ સંક્રાન્તિને સહાયક બને છે, પોષક બને છે. અલબત્ત, એને શ્રી બેટાઈનો રવસામ્ય પ્રત્યેનો પક્ષપાત ગણી શકાય. પણ એ પક્ષપાત માત્ર ઉચ્ચારગત ચમત્કારની કક્ષાએ રમતો-વિરમતો નથી, પરંતુ એનાં શ્રવણ પર પડતા સંસ્કાર કાવ્યગત ભાવના હૃદયસ્પર્શી સંસ્કારનો સાર્થક સહચાર સાધે છે; કાવ્યકલા, કલા તરીકે અર્થ ચમત્કારવતી હોવા છતાં, શબ્દની કલા છે, શબ્દનિષ્ઠ ચમત્કારને એ અર્થગત ચમત્કારથી અસંયુક્ત રહીને એને નડે નહિ એ પ્રકારે લડાવે છે.
(૫)
    આ સંગ્રહમાં આદિસ્થાને મૂકેલું, અને આદિસ્થાનનું અધિકારી એવું, “આદિકવિ વાલ્મીકિને” કાવ્ય એ આદિકવિની ક્રાન્તદ્રષ્ટિને અને કવિતાસમૃદ્ધિને અધતન કવિએ અર્પેલી સમૃદ્ધ અંજલિ છે. કવિ વાલ્મીકિને વિશે “અનુષ્ટુપલયે લ્હેર્યું આપનું વનનન્દન” એવું સ્તુતિવચન ઉચ્ચારતા કવિ બેટાઈ આ અંજલિમાં અનુષ્ટુપલય ઉપર એમનું પોતાનું સુવિદિત પ્રભુત્વ સાર્થક કરે છે.
“ ‘मा निषाद’ વિષાદોત્થ વેણ જે આપ ઉચ્ચર્યા
આદિકાવ્યકથા જન્મી મધુરા મધુરાક્ષરા”

    એ વચન બેટાઈના “વિષાદ જ પ્રસાદ હો !” એવી ભાવનાથી ભરેલા આ કાવ્યસંગ્રહમાં અધતન સંદર્ભોચિત્ય પ્રાપ્ત કરે છે.
    આદિકવિનાપ્રકૃતિનિરૂપણની ઝાંખી કરાવતાં શ્રી બેટાઈ કહે છે :
“સમૃદ્ધિભર્યા વૃક્ષો: ભર્યા પૂર્યા લતાધન,
છન્દોવિહાર મૃગના, પક્ષીનાં કલકૂજન,
* * *
વનપર્વતનાં આપે ઋતુકૌતુક ચીતર્યા,
નદીનિર્ઝરનાં ગાનો આપનાં પુણ્યનીતર્યા,
ને નભોદર્શનો દિપ્ત : સર્વ કાવ્યાર્થ સંક્રમ્યા.
* * *
સરો-સ્ત્રોતો-સરિતામાં વહ્યા આપ ભર્યાછલ્યા,
ગિરિગહવરમાં ગૂઢ ગિરિગહવર આત્મના
નિરખ્યા પરખ્યા જાણે સ્થિર અક્ષર ચીતર્યા !”

    રામાયણ નીરૂપતિ નર-વાનર-રાક્ષક સમુદાયનું સર્વતત્વ આસ્વાદતા અને અભિવન્દતા શ્રી બેટાઈ કહે છે :
“નરની વાનરી વૃત્તિ, વાનરોની મનુષ્યતા
રાક્ષસોની વિકૃતિ, ને કવચિત્ સુકૃતિદક્ષતા
જગવી ગજવી આપે વિષ-અમૃત-નિર્ઝરી
સર્વદર્શી તમારી તો દ્રષ્ટિ સર્વ શિવ કરી.”
 
    અને રામાયણની માનવવિભૂતિનું બેટાઈએ જે સુભગ દર્શન કર્યું છે તથા કરાવ્યું છે એમાંની થોડીક પંક્તિઓ આ છે :
સીતા : “વિશુદ્ધવહિતા સાક્ષ:ત લોકવિદ્રોહદાહની.”
રામ : :વિશ્વનું અભિરામરવ રામમાં સારવ્યું તમે.”
ભરતલક્ષ્મણ : “સુભ્રાતૃત્વ સુભદ્રત્વ ભ્રાતા ભારતલક્ષ્મણે.”

    અને રાવણના નિર્દેશમાં એનાં નામનો શ્ર્લેશયુક્ત પ્રયોગ કરીને કહ્યું છે –
“સર્જી રાવણનેઆપે વિરૂપ્યું લોકરાવણ.”

    આમાં “વિરૂપ્યું’ શબ્દમાં રહેલી કવિની વિવક્ષા સહૃદયોના લક્ષની બહાર નહિ રહે.
    વાલ્મીકિના ક્રાન્તદર્શનનો સંક્ષેપ શ્રી બેટાઈએ આ શ્ર્લોકમાં કર્યો છે :
“સાદ્રશ્યો ને વિસાદ્રશ્યો કેવાં ને કેટકેટલા
આપની દ્રષ્ટિની સામે રમતાં તરતાં સદા !”

    અને આદિકવિની એ રામાયણી કાવ્યસંપત્તિના આ સેતુ-હિમાચલ વ્યાપેલા પ્રભાવને કવિએ આ પંક્તિઓમાં બિરદાવ્યો છે :
“વાનરોએ સેતુબન્ધે બાંધી ‘તી ભોમ ભોમથી,
આપના કાવ્યનો સેતુ લોકહૈયાં રહ્યો ગ્રંથી.”
   
    આમ ‘મધુરા મધુરાક્ષરા’ આ આદિકાવ્યકથાનું કાણ્ડે કાણ્ડે સંભરેલું, માધુર્ય બેટાઈએ આસ્વાધ્યું છે, અને આ કાવ્ય દ્વારા સહૃદયોનો એનો આસ્વાદ એમણે કરાવ્યો છે : અને સહૃદય ભાવક રામાયણી કથાના માધુર્યનો હૃદયસંવાદનો આસ્વાદ કર્યા કરશે – માત્ર આ અગ્રિમ અંજલિકાવ્યમાં જ નહિ, કાવ્યસમુચ્ચયના અનેક કાવ્યોમાં.
(૬)
    કવિ શ્રી સુંદરજી બેટાઈ અને એમની ભાવસુન્દરકવિતા ગુજરાતી કવિતારસિક જનતાને ચિરપરિચિત છે. તેથી અહીં હું વિશેષ પરિચય-વિસ્તાર કરતો નથી. અને, એમના આ કાવ્યસમુચ્ચયમાંના “શું શૂન્યતા શાશ્વત, દિવ્યતા વા ?” એ કાવ્યની – આગલે એક પાને ટાંકી ચૂક્યો છું. તે –આ પંક્તિઓ અહીં ફરીથી ટાંકુ છું, જેમાં કદાચ વાચકને શ્રી બેટાઈની કવિતાવિભાવનાની અને શૈલીની લાક્ષણિકતાની ઝાંખી થશે :
“વિશ્વાત્માનાં ગહન ચિંતનદર્શનોનાં
ઊંડાણ ઉડ્ડયનમાં રત આત્મરિદ્ધિ;
ને કલ્પનો ગહનગોપનને ઉકેલી
જોતી સદા ગહન માનવ-અંતરોનાં,
લ્હેરાવતી લલિતભવ્ય છટાભરેલાં
લીલાવિમાન ઋતકાવ્યકલા સમૃદ્ધિ.”

    જેના યશ:કાયને જરામરણજન્ય ભયનો સંભવ નથી એવા કવિશ્રી સુંદરજી બેટાઈનાં આ કાવ્યસંગ્રહનું નામ “શિશિરે વસન્ત” રાખવામાં આવ્યું છે એમાં ‘શિશિરે’ પદની અર્થવત્તા કંઈ હોય તો તે કાયથી સંગત છે, યશ:કાયથી નહિ: અર્થાત્ એમના યશ:કાયમાં અને એના કારણભૂત કાવ્યમાં સદા વસન્ત છે, સર્વદા વસંત વિલસી રહો
- રામપ્રસાદ પ્રે. બક્ષી
૨૩-૦૭-૧૯૭૫
ગુરુપૂર્ણિમા


0 comments


Leave comment