2.3 - દૃશ્ય – ૩ / અંક ૧ / અંતિમ યુદ્ધ / ધ્વનિલ પારેખ


(સ્વયંવરનો પ્રસંગ હોય એવું હળવું સંગીત સંભળાય. નેપથ્યમાંથી ઉદ્ઘોષણાનો અવાજ – "મારી ત્રણ કન્યાઓ અંબા, અંબિકા અને અંબાલિકાનાં સ્વયંવરના શુભ અવસર નિમિત્તે અમારા નિમંત્રણને માન આપીને દૂરદૂરથી પધારેલા સર્વ રાજા – મહારાજાઓનું હું કાશીનરેશ સ્વાગત કરું છું. મારી ત્રણે કન્યાઓ જે રાજાના ગળામાં વરમાળા પહેરાવશે એની સાથે એમનાં લગ્ન કરવામાં આવશે.” આ ઘોષણા પૂરી થાય કે તરત એક પ્રકાશવર્તુળમાં ભીષ્મ દૃશ્યમાન)

ભીષ્મ: કાશીનરેશ તમે હસ્તિનાપુરને નિમંત્રણ આપવાનું ભૂલી ગયા કે પછી.... (અંદરો-અંદર ગણગણાટનો અવાજ) ઠીક છે, તમે ભલે અમને નિમંત્રણ ન આપ્યું હોય પણ હું હસ્તિનાપુર નરેશ વિચિત્રવીર્ય વતી આ સ્વયંવર સભામાં ઉપસ્થિત થયો છું. હસ્તિનાપુરને નિમંત્રણ ન પાઠવીને તમે અમારું અપમાન કર્યું છે. આ કારણે ત્રણે કન્યાઓનું અપહરણ કરી હું મારી સાથે લઈ જઈશ. ત્રણે મારા લઘુબંધુ મહારાજ વિચિત્રવીર્યની પટરાણી બનશે. ભારતવર્ષને ભીષ્મની શક્તિનો પરિચય છે એટલે મારી માર્ગ રોકવાનું સાહસ...

(અંધકાર, ગણગણાટ એકદમ મોટા કોલાહલમાં ફેરવાય જાય. કન્યાઓના ચીસ અને રુદનના અવાજો. ઘોડાઓનો તીવ્ર વેગે દોડવાનો અવાજ ધીમે ધીમે દૂર જતો લાગે અને શમી જાય.)


0 comments


Leave comment