49 - બસ... બેઠો છું / કિરણસિંહ ચૌહાણ


જીવતરના ઝાંખા અજવાળે, બસ... બેઠો છું,
ટકી શકાય ન એવા ઢાળે, બસ... બેઠો છું.

ટહુકાઓના આ સરવાળે, બસ... બેઠો છું,
વસંત થઈને ડાળે ડાળે, બસ... બેઠો છું.

સંબંધોની ખંડિત પાળે, બસ... બેઠો છું,
શબ્દોના અણઘડ ગોટાળે, બસ... બેઠો છું.

તારા મનનો વિચાર થઈને હું જીવું છું,
કોઈ ભલે ના મુજને ભાળે, બસ... બેઠો છું.

અંત અને આરંભ છે કેવળ મારાથી,
સર્વ યુગોના સંધિકાળે, બસ... બેઠો છું.


0 comments


Leave comment