50 - વિશે કંઈ કહો / કિરણસિંહ ચૌહાણ


એ અણસારા વિશે કંઈ કહો,
અગમ ધારા વિશે કંઈ કહો.

મળે જે છેક અંદરથી,
એ સથવારા વિશે કંઈ કહો.

જે પ્રગટાવે છે અજવાળું,
એ અંધારા વિશે કંઈ કહો.

તમે બોલો છો બહુ સારું,
મને મારા વિશે કંઈ કહો.

તમે આવ્યા વિના આવો,
એ ભણકારા વિશે કંઈ કહો.


0 comments


Leave comment