53 - વેળાસર નીકળી જઈએ / કિરણસિંહ ચૌહાણ


હસતું રમતું હૈયું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ,
શ્રદ્ધાનું આ ઝરણું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.

મનના સાગરમાં તો જોને કેટકેટલા વિચારના મોજાં ઊછળે,
એક અનુપમ મોજું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.

હતું અહીં જે કામ અગર એ પૂર્ણ થયું તો શાને પડી રહીએ અહીંયા?
ધ્યેય નવું થનગનતું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.

હવે પછીનો રસ્તો ઘેરા અંધકારથી ભર્યો, વિકટ, લાંબો છે બહુ,
આંખોમાં ચાંદરણું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.

દુનિયા જે કંઈ માગે છે એ સઘળું સોંપી દઈને બસ હળવા થઈએ,
ભાર વિનાનું ભાથું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.

મૂલ્યવાન આ મિલકતથી નિર્માણ કરીશું ઝળહળતો એક યુગ નવો,
શબ્દોનું આ સોનું લઈને, ચાલ અહીંથી વેળાસર નીકળી જઈએ.


0 comments


Leave comment