54 - મુક્તકો / કિરણસિંહ ચૌહાણ


લાંબી ટૂંકી મજલ લખે છે,
આ માણસ પણ ગઝલ લખે છે.
સોના જેવી ફસલ લખે છે,
અલ્પ લખે પણ અસલ લખે છે.
*
સત્ય જીવનનું આ નોખું તારવ્યું,
કૈંક ખોયું તોય કંઈ તો મેળવ્યું.
જોયું! ચલણી નોટ ચૂંથાઈ છતાં,
એણે એનું મૂલ્ય કેવું જાળવ્યું!
*
એ હામ વગરનો માણસ છે,
બસ કામ વગરનો માણસ છે.
જે આરંભ કરતા ધ્રુજે છે,
પરિણામ વગરનો માણસ છે.
*
જ્યારે પણ રસ્તો વિકટ થઈ જાય છે,
સત્ત્વ ભીતરનું પ્રગટ થઈ જાય છે.
*
દર્દના અધ્યાય ખપ લાગ્યા મને,
તૂટતાં સપનાંય ખપ લાગ્યા મને.
આખરે મારી કલમ થઈ ધારદાર,
એ રીતે અન્યાય ખપ લાગ્યા.
*
મનને થોડું ઝુકાવવું જ પડે,
ગમતું કો' સુખ ગુમાવવું જ પડે.
દોસ્ત, મંઝિલ સુધી જવા માટે,
રસ્તા ઉપર તો આવવું જ પડે.
*
અંધારું ઘનઘોર મળે છે,
ને એમાંથી ભોર મળે છે.
બપોરને બસ વેઠી લ્યો તો,
સાંજ નવીનક્કોર મળે છે.
*


0 comments


Leave comment