36 - આ સડક છે / દલપત પઢિયાર


આ સડક છે... ...
હા, સતત ચાલ્યા કરતી
આ સડક છે.
અંદર અંદર અટવાતાં વૃક્ષો માણસો, મકાનો
સડક છે !
છેડાઓનો સરવાળો માંડતો નકશો
ને લીટાલીટાવળી નદીઓ
સડક છે.
આ સડક, ગધેડાંની પૂંઠ ઉપર
રેત-માટીના કોથળા લાદી મકાન સુધી આવે છે.
ખખડી ગયેલો માણસ ઉધરસ ખાય છે,
મકાન વધે છે
કીડી હસે છે
સડક ધસે છે... ...
આ સડક, ઊંટલારી ઉપર લીમડો પાથરીને
નીકળી છે, રણ તરફ !
સંભાળજો.
એક છાનું તોફાન આ મકાનમાં ખૂણાઓમાં
મોટું થઈ રહ્યું છે !
ધ્યાન રાખજો.
આ સડક, કોઈ ભરાવદાર પગલાનો પીછો કરતી
નીકળી જાય છે, નગરની બહાર
ને ત્યાંથી પાછી આવતાં બહુ વાર કરે છે.
કાચાં બગાસાંથી બેવડ વળી ગયેલી સડક
બંધ ઝાપા આગળ જાળિયું થઈ
સડસડાટ પાછળનો દાદર ઊતરી પડે છે
અને
સડકને આ છેડેથી સામે છેડે જતી દેડકીને
ઝડપ મારી
અધવચ્ચે જ આંતરી રાખે છે !
પછી થાકીને પોટલું થઈ ગયેલી સડક
ગળનારા નીચે સમેટાય છે ને
શ્વાસોચ્છવાસની ગણતરી કરે છે.
સવારે
નર્યા અકસ્માતોનું ફાટક ઊભું કરી
આઘીપાછી થઈ જાય છે... ... ...

એક્સિડંટ એક્સિડંટ !
સડક ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે.
માણસો, મકાનો, બારીઓ, લારીઓ
બધું જ જડબેસલાક જામ થઈ ગયું છે.
જરા પણ ખસી-ચસી ન શકે તેવું ચુસ્ત.
ફાટક ખૂલે એટલી જ વાર
પણ
ફાટક ખૂલવાની જ નથી !
લાલ ઝંડી સાથે
કેબીનવાળો સ્થિર થઈ ગયો છે.
કોઈકે એમ જ, અમસ્તું ‘અ-ચલ’ કહી દીધું હશે !
માણસ સડક ઉપર સડક થઈ ગયો છે.
કાલે કોઈએ તુક્કો કરેલો –
સડક ઉપર ચાલતા હોઈએ
ને અચાનક
જા...ડો રગરગ ડામર
દસ દસ ફૂટ ઊંચો પથરાઈ જાય તો !
અથવા
એટલો આઈસ્ક્રીમ જામી જાય તો !
તો શું ? – તગારું !
એ તો હારનાં બણ્ગાં... ...
ને એમ છતાં
કશું હાલતું ચાલતું નથી એ નક્કી !

માણસની પીઠ ઉપર
આ સડકના છેડા રોજ નવું નગર બાંધે છે !
માણસ તૂટી રહ્યો છે, ખૂટી રહ્યો છે.
ઊભા રો’, ભલા માણસ !
જોજો એમ કરતા.
મકાનને ધક્કો મારશો તો માણસ પડી જશે !
કોનો ઘસારો છે ?
કપચીસળિયાના ખટારા નીકળ્યા છે.
- જવા દો !
પતરાં, કબાટ, ટેબલ ટાઈલ્સ ખસે છે ?
- ખસવા દો !
પીઠ ઉપર થેલીઓ સાથે મજૂર ઊભો છે
એના શ્વાસ ગઠ્ઠો થઈ જવાની તૈયારીમાં છે
- તે ભલે !
નકુચા, નાડી, તાર, તગારાં
જવા દો, જવા દો !
માથે ધોળું લૂગડું ઓઢેલા માણસો
અહીં ક્યારના ઊભા છે
હાંડીમાંનો દેવતા હોલવાઈ જાય તે પહેલાં
તેઓ કોઈને મૂકી આવવા માગે છે.
તે થાય છે
જગ્યા થશે એમ જવાશે !

જગ્યા થતી જ નથી.
બધું જ બધી બાજુથી પુરાતું જાય છે.
પુરાતો જતો માણસ
હાથ ઊંચા કરી કરીને મજલા ગણે છે
ને
ઈંટ ઉપર ઈંટ ગોઠવી
ઊંચે ગયેલી સડક
નીચે ઊભેલા કોકને કહે છે :
એઈલ્યા !
હટી જા, ત્યાંથી
જોતો નથી તારો પડછાયો પડે છે તે !


0 comments


Leave comment