37 - કવિતાને રસ્તે / દલપત પઢિયાર


આ કવિતાને રસ્તે
ઠેકઠેકાણે પાછા ફરવાનું ઠોયા જેવું !
પાણી કે’તાં આર-પાર ના કશું,
વાણી કે’તાં આવ-જા ના કશું,
તમને લાગે કે શબ્દને રમતો મૂકી હું સૂઈ જઈશ !
પણ મોજાં મોજાં તળિયે બેસી જાય
ને તણાતી આવે રેત,
શું કરો ?
તમે અતિ ઉત્સુકતાથી ગગનભણી
એકાદ ચકલું ઉડાડો
ને જોવા માગો કે
આકાશમાં કેટલી આંટીઓ પડે છે...
કશું જ ન બને.
તમે અહીં બાઘાં જ માર્યા કરો
ને ત્યાં બુધવાર બેસી જાય, હોવે !
પાન તોડ્યું પટ્ટ
ને મૂંછ દીધું વટ્ટ
એવું વહેલું વહેલું થોડું છે, આ ?
સમય, કેટલો સમાધિ થયો હશે
ત્યારે
એકાદ શબ્દની ભોંય બંધાઈ હશે !
કોણ ના કહે છે ?
તમતમારે આકાશમાં ઉડાડ્યા કરોને ટુક્કલો.
ને ડોકું તાણી ગણ્યા કરો
હમણાં વાદળું વાશે,
હમણાં હરણ નીકળશે,
હમણાં ચંદ્રનું સસલું થશે
ને એ... આ, સસલાનનું થયું સરોવર...
-શું ધૂળ થાય !


0 comments


Leave comment