38 - સૂકા છાંટાની સલામું / દલપત પઢિયાર


ઊંચી નેંચી ખજૂરી ઘમઘમે રે.
અમે ટૂંકા તણાતાં કમાડ રે,
સાજણ એકલ આંબેલો.

ક્યાંક ડમરો છલકે ને મહેકે મોગરો,
અમે ક્યારીએ અંતરાયેલાં નીર રે,
સાજણ એકલ આંબેલો.

પૂછે પારકી ભૂમિનાં ગોરજ ગુજેડાં,
અમે સાતમી પછીતની સંકડાસ્યું;
સાજણ એકલ આંબેલો.

આંબે આંગણે ઊભો ને છાંયા પરદેશે,
અમે તોરણે તરાપેલી ગાંઠયું;
સાજણ એકલ આંબેલો.

એક પગલું ગાજે રે ગોરમટી ભર્યું,
અમે સૂકા છાંટાની સલામું;
સાજણ એકલ આંબેલો.


0 comments


Leave comment