40 - ચાલો સૈયર / દલપત પઢિયાર


ચાલો સૈયર !
સાતેક ડગલાં સાથે જઈએ.
છેક સીમાડે આવ્યાં ત્યાં લગ
એકબીજાથી છેટાં છેટાં,
આગળ આગળ
પાછળ પાછળ
આગળ પાછળ
ખોટું ખોટું અટવાતાં ફાંટતાં ચાલ્યાં
કોરું કોરું અભડાતાં ચંપાતાં ચાલ્યાં
હમણાં પેલી ડુંગરીએથી
ઊગમણા આથમણા આપણ
મારગ પડશે નોખા
હવે તો બોલ ઉછીના આલો !

વાટનું તમરું પૂછશે તમને
માન મૂકી ક્યાં આવ્યાં સૈયર !
ગામનું કૂતરું પગલાં સૂંઘશે
ક્યાં દઈ આવ્યાં દાણ ? સૈયર !
ફળિયું પૂછશે
નળિયું પૂછશે
પૂછશે પૂછશે સૂના એક
અધરાતે મધરાતે ઊઠી ઢોલિયા ફરતે
કાન માંડીને ચરશે જૂના ગોખ
કઈ ઘડીની નીરશું લીલી જાર ? સૈયર !
કઈ છબીની ભરશું પીળી સાખ ? સૈયર !
હવે તો આછું પગલું આંકો !


0 comments


Leave comment