43 - મેડી / દલપત પઢિયાર


ટોડલે ટહુક્યા ઝીણા મોર
ભરચક ભાત્યોભીની કોર
અમે ફૂલદોર ગૂંથ્યાં હારોહાર...
અદ્દલ મેડી ઉગમણી !

ઓરડા લીંપ્યા ને અમે હથેળીમાં ખૂટ્યાં
ઝરમર ઝીલ્યા મેઘ માટી મેંદી જેવું ફૂટ્યાં
અમે છાનું છાનું છૂટ્યાં બારોબાર...
અદ્દલ મેડી ઉગમણી !

કાગ બોલ્યા ડાળે, અધવચ વિસારી,
કોરી ભૂમિ પાળે, અઢળક કાયા ઉતારી;
અમે ટોળેટોળાં તલસ્યાં અપાર...
અદ્દલ મેડી ઉગમણી !

બારીએ બેઠાં કે ગગન આઘેઆઘે તેડે,
ઉંબરે આવ્યાં કે અંગત બાંધી લીધા છેડે;
અમે અડધાં અંદર અડધાં બહાર...
અદ્દલ મેડી ઉગમણી !

ચડ્યાં વાદળ, ચડ્યાં પાણી, ચડ્યાં રે ચોધારાં,
ઊમટેલાં અમે, અમને મળ્યાં રે નોંધારાં;
અમે તૂટી પડિયાં મેઘ મલ્હાર...!
અદ્દલ મેડી ઉગમણી !


0 comments


Leave comment