44 - બાર લખ છન્નું હજાર / દલપત પઢિયાર


આવે ને જાય એ તો ડેલી-ખોંખારા
બારણાને અંદર શું બહાર ?
મારે શું ? કાલે શું ?
કીડી શું મોજાંનો માર ?
દેરી ને ડુંગરથી દસ વેંત ઊંચો લ્યો
બાર લાખ છન્નું હજાર !

બાર લાખ છન્નું હજાર ગામ, બંદૂકો ફૂટે !
બાર લાખ છન્નું હજાર નામ, બંદૂકો ફૂટે !
બાર લાખ છન્નું હજાર ધામ, ઘોડારો છૂટે !
બાર લાખ બોલીના બાર લખ ઢોલી
ચોરે શું ? ચૌટે શું ?
ચકલું શું ડુંગરની ધાર
દેરી ને ડુંગરથી દસ વેંત ઊંચો લ્યો
બાર લાખ છન્નું હજાર !

મોજડી ઉતારીને મારુજી ચાલ્યા
કે પંથકમાં કેડકેડ કેસૂડાં ફાલ્યા
પૂછ્યું કે ચ્યાં હેંડ્યા ? ચ્યાં હેંડ્યા ?
(તો)
ટોટીએથી હુક્કાનું તળિયું ખેંચીને કે’
બાર બાર વીઘાંની પાટ્યો લ્યા;
તાં હેંડ્યા, તાં હેંડ્યા !
સીસમની વહેલ્યો ને સોનાની ખાટ્યો લ્યા;
આ હેંડ્યા, આ હેંડ્યા !
હું મારે જઉં અને હું મારે આવું લ્યા;
જા ફાડ્યા, આ હેંડ્યા !
લીલીછમ ઢેલ્યો ને અંગૂઠે ઉનાળો ઠેલ્યો,
લે મૂવા તારો મલક હવે મેલ્યો.
ને પછી નેવાંમાં જોયું તો
લાલ લાલ શાફાની તરતી માછલીઓએ
પડતું મેલ્યું પાણી બહાર
દેરી ને ડુંગરથી દસ વેંત ઊંચો લ્યો
બાર લાખ છન્નું હજાર !


0 comments


Leave comment