45 - વીતી ગઈ રાત પછી રાત / દલપત પઢિયાર


તરણાને પૂછ્યું તો તૂટ્યાની વાત નો’તી
ઝરણાને પૂછ્યું તો ખૂટ્યાની વાત નો’તી
જાતને પૂછ્યું : છે કંઈ વાત ?
બસ ! વીતી ગઈ રાત પછી રાત !
સાત સાત ફેરા તે ખાલી ખુલાસો
ને જળ જેવા જળમાં લ્યો જાસો
ઊઘડતાં ફૂલ અને અકબંધ કમાડ
પછી કિયે ઘેર કરશો કો’ વાસો ?
રંગોના અવસર લઈ આવ્યાં આકાશ
તમે આંખોમાં ઓત્યા અખાત...
બસ ! વીતી ગઈ રાત પછી રાત
પંથને સમેટવા ઢગલી કરવાથી
કંઈ ખૂટે ના પગલાંના વ્યાપ
ટૂંકી પછેડીએ ફાંટું વાળીને કો’
કાઢવાં શાં શેઢાનાં માપ ?
પંખીનાં ટોળાં લઈ આવ્યાં’તાં ગીત
અને ઝાડવાંમાં ભૂલ્યાં’તાં જાત
વગર ટોયે બધે લીલું લહેર્યા
ને તમે ઉકેલી ઘાત પછી ઘાત...
બસ ! વીતી ગઈ રાત પછી રાત...


0 comments


Leave comment